Tuesday, March 12, 2019

સ્વાગત !!!!

સ્વાગત !!!!

આંખો ફેલાવી ને બેઠો છું સમેટવા તમને,
હુંજ જાણું છું આ સ્વાગત નો મહિમા,

પૂછો આ ધરતીને વાટ કેમ જોવાય સૂરજની,
ધરા જ જાણે છે આ પથરાવના આભિનંદન નો મહિમા,

ખેલ છે બધો આ પ્રારબ્ધ અને પુરુષાર્થ નો,
ખાલી હથેળીઓ જ જાણે સ્પર્શના સન્માન નો મહિમા,

તમે મારી યાદો માં આવો કે હું તમારા સ્વપ્નમાં,
શુષ્ક લાગણીઓ જ જાણે આ સાક્ષાત્કારના આવકાર નો મહિમા,

મીઠી નદીઓના નીર દોડે ખારા સમુંદર તરફ,
અફાટ ખારાશ જ જાણે આ અમૃતના આગમન નો મહિમા,

જીવ્યા ઘણું મળ્યા ને નહીં મળ્યાના ઇન્તજાર માં,
ખાલી પડેલી ડગર જ જાણે આ પગરવના સત્કાર નો મહિમા,

મળી આવ્યા છો તમે એક મસીહા સમા આ જન્મે,
અહીં યજમાન જ જાણે છે આગતાસ્વાગતા નો મહિમા,


- પ્રણવ જોશી (૦૯-૦૨-૨૦૧૯)

અંગત !!!

આજે મારા આંસુઓનું સરવૈયું કરવા,
છુટેલી લાગણીઓની ડાયરી કાઢતા,
ડગી ગયો જીતેલો  વિશ્વાશ ખુદમાં,
જયારે અમુક નામ સરનામાં જોયા,
દૂર ના શત્રુ અને અંગત મિત્રોના,

ઘાવ ઘણા જીલ્યા હસતા રમતા,
નિશાન નહોતા આ કોઈ બગાવતના,
નથી કોઈ અણસાર જૂની અદાવતના,
ઇતિહાસ નહોતા કોઈ આ તાજો તખ્તના,
કટારના ઘા હતા હૃદય પર મારા અંગતના,


- પ્રણવ જોશી (૧૧ Feb ૨૦૧૯)